****
રાત અંધારી હતી. હવા રહસ્યમય સંગીત નિર્મિત કરી રહી હતી.
એ આવી.
કરુણાની મૂર્તિ લાગતી હતી.
‘હવે તો પધારો મારી ઝૂંપડીએ,સ્વામી!’એણે સમસ્ત પ્યારથી કહ્યું.
હું ચૂપ હતો.
એણે બોલવાનું શરૂ કર્યું :‘હવે તો છોડ વગરનું ફૂલ છું.’
એની ઉદ્ઘોષણા સાચી હતી.
હું ઉઠ્યો.
બંને જવા લાગ્યાં...
પણ ત્યારે અમે બંને છીએ એવું લાગતું ન હતું...છતાં જોનારાઓ
અસ્ત-વ્યસ્ત વાતો કરી રહ્યાં છે.
******
મારા દ્વારે એક ભિખારણ આવી. એના મોં પર અનેરી ચમક હતી. ફટેલાં લૂગડાંમાં પણ એનું સૌંદર્ય કોઇ અગમ્યતા આણી રહ્યું હતું.
‘ભિક્ષા આપો,સ્વામી!’એનો મારા પ્રતિનો સ્વર...હું નવાઇ પામ્યો.‘સ્વામી’શબ્દ સાંભળતા મને ગુસ્સો ચડવો જોઇતો હતો,પણ
એનાથી મારામાં મધુરતા ફેલાઇ.રહસ્યની ઝલક મારા અસ્તિત્વમાં અનેરાપણું સર્જી ગઇ.
‘શું જોઇએ છે?’મેં એને પૂછયું.
‘તું!’
‘હું?’ મહાશ્ર્ચર્યથી મારા મોંમાંથી શબ્દો ઝર્યા.
‘હા.’શાંત ઉત્તર.
એનું આકર્ષણ એટલું પ્રબળ હતું કે હું વિચારહીન થઇ ગયો.
‘લઇ લે.’મારા મોંમાંથી અનાયાસે શબ્દો સરી પડ્યા.
એણે મારા મસ્તક પર હાથ મૂક્યો.
દ્વન્દ્વ ગયું;
શૂન્યનું નિર્માણ થયું.
******
એક શબ્દ ભિક્ષુક મારા બારણે આવ્યો.
‘કવિવર,મને એક ઉત્તમ શબ્દની ભેટ આપો.’
મેં એને ‘પ્રેમ’શબ્દ હ્રદયના સમસ્તભાવથી આપ્યો.
એ શબ્દ પામતા એના સમગ્ર અસ્તિત્વએ મહા ઉત્તેજના અનુભવી. એક મહાન રહસ્યનું સંગીત એનામાંથી સરવા લાગ્યું.
હવે એ જગતનો સૌથી સમૃદ્ધ માનવી લાગતો હતો.
હવેએને કોઇ પ્રકારની ભિક્ષાની જરૂર આજન્મ લાગવાની નહોતી.
******
એક સાધુએ મારા ચરણોમાં પડીને કહ્યું,‘આવો,આવો,પરમના સ્વરૂપ,હું તમારી જન્મો-જન્મથી રાહ જોઇ રહ્યો છું.’
હું હસ્યો.
‘રાહ જોતો હતો એટલે જ જન્મો જન્મ લાગ્યા.હું રાહ જુએ એની પાસે જતો જ નથી.આ તો આ માર્ગેથી જતો હતો ને નજર પડી
ગઇ.જો કે આ સમયે તું રાહ જોવાનું ક્ષણ વિસરી ગયો હતો.એટલે જ મારા પર નજર પડી ગઇ!’
સાધુને મારા શબ્દોથી જન્મો-જન્મથી ન થયેલું મારું જ્ઞાન ક્ષણમાં થઇ ગયું.એ સહજભાવે મને પોતાની પાવન ઝૂંપડીમાં લઇ ગયો.
******
મેં એકવાર કહ્યું,‘તું રોજ કેમ બદલતો રહે છે?એક જ રૂપમાં રહે તો આટલી કસરત ન કરવી પડે ને!’
એ હસ્યો.
‘હું બદલતો નથી.મારામાં બદલાવ આવે છે.પરિવર્તનશીલતા એ પરમતાનો સ્વભાવ છે.તું ક્ષણમાં જીવ.પછી જો,તું ક્ષણે-ક્ષણે
બદલતો રહીશ.પણ આ સ્વભાવ પછી આવી વાતો રહેશે નહિ.’આટલું કહી એ નજીકના તારાને પૂર્ણતાથી જોવા લાગ્યો.
હું મારા ઘરે જવા લાગ્યો. રસ્તામાં મને ચંદ્રની અમરતાનું રહસ્ય સમજાઇ ગયું...
******
એ દૂરથી હસી માત્ર!
ને મેં અનુભવ્યું,એ હાસ્યથી મારામાં પ્રેમ પૂર્ણ રીતે પ્રકાશિત થયો.
થોડા દિવસ પછી એ આવીને મને કહેવા લાગી,‘મને પ્રેમ આપો,ઓ પ્રેમ દેવતા!’
‘હું પ્રેમ આપું ?મને પ્રેમ તેં જ આપેલો છે!તારા માધ્યમથી એ મારા રોમ-રોમમાં પ્રસર્યો છે.’
મારો જવાબ સાંભળી એ નવાઇખાણમાં ઉતરી પડી. પછી એને લાગ્યું કે હું એની મસ્તી કરું છું.
‘આમ મસ્તી ન કરો.’એણે કહ્યું.
હું બહુવાર મૌન રહ્યો.
પછી કહ્યું,‘પ્રેમ એ અપવા-લેવાની બાબત નથી.હ્રદયની ઊંડી ચાહથી એ સ્વમાં ભરાવા લાગે છે.પછી એ કોઇ માધ્યમ મળતા
આપોઆપ પ્રગટી ઊઠે છે ને સ્વના અસ્તિત્વમાં પ્રસરી જાય છે.’
હવે એને મારી‘મને તો તેં જ પ્રેમ આપેલો છે’એ વાત સમજાય. એ મને નમન કરીને જવા લાગી...ત્યારે એની ચાલમાં મને
અગવાયેલું પ્રેમગીત સ્પષ્ટ સંભળાતું હતું...
******
આમના દ્વારા પોસ્ટ કરેલા Ramji Gosia પર 12:25 PM 0 ટિપ્પણી(ઓ)
આના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)
લોડ થઈ રહ્યું છે...